જાણ્યું છતાં અજાણ્યું [મુનીન્દ્ર]

જિંદગી એ શોધેલાં સ્વપ્નો સાકાર કરવાની સફર છે !

આંખો બંધ કરીને તમે એક દ્રશ્ય જુઓ ! અને પછી કહો કે એ દ્રશ્ય કયું છે ? આંખો બંધ થાય છે, ત્યારે તમને શું દેખાય છે ? કોઈ હત્યાનું દ્રશ્ય દેખાય છે કે પછી માનવજીવનનું કોઈ પ્રેમાળ કે પ્રકૃતિનું મનોહર દ્રશ્ય દેખાય છે ? ભયાનક વિનાશ દેખાય છે કે પછી ધીરે ધીરે વિકસતું પુષ્પ દેખાય છે ? આંખો બંધ કરતાં જે તમને દેખાય છે, તે તમારા ચિત્તનો અરીસો છે.

જો તમારા મનમાં પવિત્ર ભાવનાઓ હશે, તો તમને સુંદર, રમણીય અને મંગલમય દ્રશ્યો દેખાશે અને જો ચિત્તમાં મલિન અને અપવિત્ર ભાવનાઓ વસતી હશે, તો તમને હત્યા કે વિનાશનું ચિત્ર દેખાશે. તમારી બંધ આંખો જે દ્રશ્ય જુએ છે, એનો મહિમા એ માટે છે કે આપણા જીવનનો શુભ અંશ સતત પ્રયત્ન કરતો હોય છે કે આપણે સુંદર અને આઘ્યાત્મિક ઉચ્ચતાવાળાં દ્રશ્યો જોતાં રહીએ. આપણા ચિત્તમાં રહેલો અશુભ અંશ એ પ્રયત્ન કરતો હોય છે કે નિષ્ફળતા, તિરસ્કાર, બીમારી, વિનાશ જેવી નકારાત્મક બાબતો જોતા રહીએ.

આંખો મીચી દેતાં ક્યારેક તમને શાંતિનો અનુભવ થાય છે, તો કોઈને ભયનો અનુભવ પણ થતો હોય છે. એક અર્થમાં કહીએ તો તમારામાં રહેલાં ઇષ્ટ કે અનિષ્ટ તત્ત્વનું જ આમાં પ્રતિબિંબ થાય છે. આંખ મીચી દેતાં જેમ તમને દ્રશ્ય દેખાય છે, એ જ રીતે પોતાના ચિત્ત વિશે વિચારતા જીવનનું સ્વપ્ન દેખાય છે. આ દ્રશ્ય અને સ્વપ્ન બન્ને એકબીજા સાથે જોડાયેલાં છે. જો જીવનમાં તમને આંખ મીચી દેતાં ઉત્તમ દ્રશ્ય દેખાતું હોય તો તમારું સ્વપ્ન પણ પ્રગતિશીલ હશે. જો ખરાબ દ્રશ્ય દેખાતું હશે, તો તમારા જીવનનું સ્વપ્ન પણ કોઈનું અહિત અથવા અનર્થ કરવાનું હશે.

સવાલ એ છે કે તમારી પાસે જીવનનું કોઈ સ્વપ્ન છે ખરું ? જીવન જીવવાનો કોઈ સ્પષ્ટ હેતુ છે ખરો ? માણસ એ માત્ર શ્વાસ લેતું પ્રાણી નથી; પરંતુ એનામાં સ્વપ્નો, કલ્પનાઓ અને સત્કાર્યો પડેલાં છે. એની પાસે જીવનમાં અમુક ઘ્યેય મેળવવાનો આશય હોય છે અને એ પણ સાચું છે કે દરેક વ્યક્તિને પોતાનાં સ્વપ્નાં હોય છે. પણ ઘણીવાર એવું બને છે કે જીવનમાં એવી વ્યર્થ અને નકામી બાબતો આવી જાય, કે જેને કારણે એ એના જીવનના સ્વપ્નનો અર્થાત્ એના જીવનનો હેતુ ગુમાવી બેસે છે.

ક્યારેક જીવનમાં બનતા બનાવો પણ એના સ્વપ્નને ભસ્મીભૂત કરી દેતા હોય છે. પણ એટલું તો સ્વીકારવું જ રહ્યું કે દરેક માણસને પોતાનું સ્વપ્ન હોય છે. કેટલીક વ્યક્તિઓ એમ કહે કે મારા જીવનમાં આવાં કોઈ સ્વપ્નો કે ઘ્યેયો નથી, તો તે અસત્ય બોલે છે. જો એમના હૃદયની ભીતરમાં ઉતરીને જોવામાં આવે, તો એમના હૃદયમાં પણ આવાં સ્વપ્નો હોય છે, જે પ્રગટવાં માટે થનગની રહ્યાં હોય છે.

તમારા જીવનનું એ સ્વપ્ન જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં ઓતપ્રોત બની જશે. તમે તમારા જીવનમાં જે કંઇ જોશો, જે કંઇ વાંચશો, જે કંઇ વિચારશો, એ બધાની સાથે તમારું એ સ્વપ્ન જોડાયેલું રહેશે. જો તમે તમારા એ ઘ્યેયને ભૂલી ગયા હશો તો તમારા ચિત્તમાં એ વારંવાર ઝબકી જઇને તમને તમારા ઘ્યેયનું સ્મરણ કરાવશે. ક્યારેક તમને વિષાદ પણ જાગશે કે જીવનમાં આવું સ્વપ્ન સેવ્યું હતું; પરંતુ એની પાછળ જરૂરી ફનાગીરી દાખવી નહીં. ક્યારેક એમ પણ લાગશે કે જીવનમાં એ સ્વપ્ન સેવ્યું હતું, પરંતુ કશુંક બીજું મહત્ત્વનું બનતાં એ સ્વપ્નની ઉપેક્ષા થઇ ગઈ.

ક્યારેક તમારા ભીતરમાંથી એ સવાલ પણ ઊઠશે કે તમે તમારા સ્વપ્ન પ્રમાણે તમારા જીવનને સર્જતા નથી, તો તમે જીવો છો શા માટે ? માત્ર ખાવા-પીવા માટે, માત્ર શ્વાસ લેવા માટે કે પછી તમારું જીવન એક અર્થહીન રગશિયાં ગાડાં જેવું છે. શું માત્ર ધનપ્રાપ્તિથી જ કે ઇન્દ્રિય આનંદનાં સુખો માટે જ તમે જીવો છો ?

ક્યારેક એવું પણ બને છે કે વ્યક્તિ પોતાના વિશે બીજાના ખ્યાલો મુજબ પોતાના જીવનને ઘાટ આપવાનો પ્રયત્ન કરે છે; પરંતુ તમારી પાસે જો ઘ્યેય હશે, તો એ તમને સવાલ કરશે કે શું તમે તમારા એ સ્વપ્નને વિસરી ગયા? આમ જિંદગી એ શોધાયેલાં સ્વપ્નને સાકાર કરવાની સફર છે. જ્યાં સુધી જીવનમાં સ્વપ્ન મળતું નથી, ત્યાં સુધી જીવનનો અર્થ જડતો નથી. જીવનના મર્મ સુધી પહોંચી શકાતું નથી અને લાંબું આયુષ્ય ભોગવ્યા છતાં જીવન વ્યર્થપણે ગાળ્યું હોય એવો અનુભવ થતો હોય છે.

જીવનમાં સ્વપ્ન જરૂરી છે અને સ્વપ્ન સાકાર માટે વ્યક્તિએ જીવનશિલ્પી બનવું જરૂરી છે. જે જીવનમાં આગળ વધવા માગે છે, એ હંમેશાં વિધાયક કે રચનાત્મક દ્રષ્ટિથી આગળ જોતો હોય છે. જો એ નકારાત્મક દ્રષ્ટિ રાખતો હશે તો એ કપરું કાર્ય કરતાં પૂર્વે જ ભયભીત બની જશે. કાં તો એ કાર્યનો પ્રારંભ જ નહીં કરે અથવા તો આ કાર્ય કરવા માટે પોતે સર્વથા અશક્ત છે એમ માનશે.

જીવનમાં જેમ સફળતા ચડવાનાં પગથિયાં હોય છે, એ જ રીતે નિષ્ફળતાનાં નીચે ઉતરવાનાં પગથિયાં હોય છે. સાપ સીડીમાં જેમ ઉપર જવાય છે, એ જ રીતે એમાં નીચે પણ પડાય છે. નેગેટીવ વિચારો અત્યંત વેગીલા હોય છે અને એક વાર ચિત્તમાં એનો પ્રારંભ થયા પછી એને રોકવા મુશ્કેલ બને છે,કારણ કે ધીરે ધીરે સમગ્ર ચિત્ત પર આ નકારાત્મક (નેગેટીવ) વિચારો પોતાનું રાજ જમાવી દે છે. આમાંથી બહાર નીકળવા માટે તમારે પ્રયત્નપૂર્વક પોઝીટીવ વિચારો કરવા પડશે.

વળી માત્ર વિચારો કરવાથી જ વાત પૂરી નહીં થાય; પરંતુ તમારે એ નેગેટીવ વિચારોમાંથી બહાર નીકળવા પ્રયત્ન અને પુરૂષાર્થ કરવાનો રહેશે. આવો પુરૂષાર્થ કરતી વખતે કદાચ મનમાં નિષ્ફળતાનો ભય પણ જાગે; પરંતુ એ નિષ્ફળતાની પરવા કર્યા વિના સફળતા માટે પ્રયત્ન કરવાનો રહેશે. દુનિયાના સર્વ શાસ્ત્રો અને વિચારકો એક બાબતમાં તો સર્વસંમત છે કે તમે જે રીતે વિચારો છો, એ રીતે તમારા વ્યક્તિત્વનું ઘડતર થાય છે. આથી વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કહ્યું છે, ‘શું ઉચિત છે અને શું અનુચિત – એનો નિરંતર વિચાર કરો.’ ઋગ્વેદના આ નાનકડા મંત્રમાં કેવી મહત્ત્વની વાત કરવામાં આવી છે. વ્યક્તિએ સતત એ વિચાર કરવો જોઇએ કે કઈ વસ્તુ એને માટે ઉચિત છે અને કઇ અનુચિત ? જે ઉચિત હોય એને અપનાવવી જોઇએ અને જે અનુચિત હોય એને ત્યજવી જોઇએ. સારા વિચારો, ઉચ્ચ આદર્શો અને ઉમદા ભાવનાઓ અપનાવવા યોગ્ય છે, જ્યારે કુવિચારો, નિમ્ન લાલસાઓ અને હીન ભાવનાઓ ત્યજવા યોગ્ય છે. જો વ્યક્તિના ચિત્તમાં હીન વિચારો કબજો લઇ લે, તો એનું આચરણ પણ હીન થતું હોય છે.

આથી પહેલી વાત એ છે કે તમે કઇ રીતે વિચારો છો ? એ વિચાર વ્યક્તિના વ્યક્તિત્વનું અને એના ભવિષ્યનું નિર્માણ કરે છે. ઉમદા વિચાર એના જીવનને પ્રગતિગામી બનાવે છે, તો અધમ વિચાર એને દુરાચાર કે વિનાશ તરફ ધકેલે છે.વ્યક્તિ જો પોઝીટીવ વિચાર રાખે, તો એ પોઝીટીવ કામ કરી શકે છે અને વ્યક્તિ જો નેગેટીવ વિચાર રાખે તો એ ખોટા અને નિષ્ફળતા ધરાવતાં કાર્યો કરે છે.

રોમન સમ્રાટ માર્કસ ઓરેલિયસ કહે છે કે માણસ જેવા વિચાર સેવે છે, એવું એનું જીવન બનાવે છે અને ‘બાઈબલ’માં ઇસુ ખ્રિસ્તે કહ્યું છે તેમ માણસ એના મનમાં જે વિચારો કરે છે, એવો એ બને છે. આ બધાનો અર્થ જ એ કે માણસે પોતે જ પોતાનું ઘડતર કરવાનું છે. એ પોતે માત્ર પોતાની સફળતાનો જ સર્જક નથી, પણ નિષ્ફળતાનો પણ સર્જક બની શકે છે.

એ સજ્જન પણ થઇ શકે છે અને દુર્જન પણ બની શકે છે. એના વિચારો, વલણો, અભિગમો અને કાર્યો એને સજ્જન અથવા દુર્જન બનાવવામાં કારણભૂત બનતા હોય છે. જો આપણે પોઝીટીવ રીતે વિચારતા હોઈશું તો ચિત્તમાં સારા, રચનાત્મક અને પ્રગતિશીલ વિચારો આવશે અને આપણું જીવન બદલાતું રહેશે. આપણી શારીરિક શક્તિમાં વધારો થશે તેમજ આપણો સમગ્ર જીવન પ્રત્યેનો અભિગમ પણ પોઝીટીવ બનશે.

[ગુજરાત સમાચાર]

Advertisements
Posted in મુનીન્દ્ર | Tagged , , , | Leave a comment

અભિમાનના નવ પ્રકાર [વિનોબા ભાવે]

નવ પ્રકારનાં અભિમાન છે:

૧. સત્તાનું અભિમાન

૨. સંપત્તિનું અભિમાન

૩. શક્તિનું અભિમાન

૪. રૂપનું અભિમાન

૫. ફળનું અભિમાન

૬. વિદ્વતાનું અભિમાન

૭. અનુભવનું અભિમાન

૮. કર્તવ્યનું અભિમાન

૯. ચારિત્ર્યનું અભિમાન

પણ આ સઘળાં અભિમાનોમાં મને ‘અભિમાન નથી’ એવો ભ્રમ હોવો એ સૌથી મોટું અને ખતરનાક અભિમાન છે.

વિનોબા ભાવે ‘વિચારપોથી’માંથી સાભાર
http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20080528/guj/supplement/guftego.html

Posted in વિનોબા ભાવે | Tagged , | 5 ટિપ્પણીઓ

લગ્નમાંગલ્ય [સંકલિત]

[1] રવિશંકર મહારાજના આશીર્વાદ

આજે તમે નવદંપતી સંસારમાં સમજપૂર્વક પ્રવેશ કરો છો, તમારા માટે આ શુભ દિવસ છે. તમારા વડીલો તરફથી તમારા લગ્નની પસંદગી થઈ ત્યારથી જ તમે એકબીજાં સાથે માનસિક રીતે તો વરી ચૂક્યાં છો પણ આજે વડીલો, શુભેચ્છકો અને સમાજના સજ્જન પુરુષોના સાંનિધ્યમાં પ્રત્યક્ષ રીતે વરો છો અને આશીર્વાદ મેળવો છો. પ્રભુ તમારું કલ્યાણ કરો. તમારો સંસાર સુખરૂપ નીવડે એટલા ખાતર થોડી સલાહ આપું છું :

લગ્ન એ સંસ્કાર છે. એમાં પ્રેમ, પવિત્રતા અને ત્યાગનું પ્રાધાન્ય છે. લગ્નમાં સુખ મેળવવા કરતાં સુખ આપવાનો વિચાર રહેલો છે. એટલે જેની સાથે લગ્નગ્રંથિથી જોડાઈએ, એની પાસેથી સુખ મળશે એવી આશા રાખ્યા કરતાં, હું એને સુખી કરીશ, એવી ભાવનાથી લગ્ન કરવું જોઈએ. આમ થાય તો કદી દુ:ખ ભોગવવા વારો આવે નહીં. લગ્ન એટલે જ્ઞાનપૂર્વક શુદ્ધ પ્રેમનું સમર્પણ. તમે એકબીજાની શાંતિ માટે તમારું સર્વસ્વ અર્પણ કરજો જેથી તમારાં શરીર જુદા દેખાવા છતાં એક જ હોય. તમારા વાણી, વિચાર અને વર્તન એક જ હોય. જુદી જુદી નદીઓનાં પાણી ભેગાં થાય છે ત્યારે ઓળખાતાં નથી તેમ તમારાં કાર્યો જુદાં છે એમ તમને પણ ન દેખાય એ રીતે વર્તજો.

તમારું એકેએક કાર્ય સાથે વિચારેલું અને સુખદુ:ખ જ્ઞાનપૂર્વક ભોગવેલું હોવું જોઈએ. સંજોગોવશાત જે સ્થિતિ પ્રાપ્ત થાય તેમાં રસપૂર્વક સાથે રહેતાં શીખજો. સુખ માટે બહાર ફાંફાં નહીં મારતાં અંદર શોધજો અને આવતી આપત્તિ ટાળવા નૈતિક દષ્ટિએ પુરુષાર્થ કરજો. સત્કાર્યો અને સજ્જનોનો સહવાસ શોધજો, એ હંમેશાં સુખકર નીવડે છે. શુદ્ધ શારીરિક શ્રમ અને જીવનવહેવાર કરકસરથી કરતાં જરૂરિયાતો ઘટે છે. ઓછી જરૂરિયાતો જ જીવનમાં શાંતિ આપે છે. ધનની લાલસા વધારશો નહીં. છતાં પુરુષાર્થ કરવામાં પ્રમાદ ન સેવશો. હસતે મોઢે મર્દાઈથી જીવજો. જીવનમાં ગૂંચ પડે તો ઉકેલજો, તોડશો નહીં. તૂટેલી ગૂંચ કદાચ સંધાય ખરી પણ વચ્ચે ગાંઠ રહી જાય છે.

આજનો આ પવિત્ર દિવસ યાદ રાખી શુદ્ધ પ્રેમની મૂડી વધારજો. સાંસારિક ભોગો ભોગવવામાં સંયમ સેવજો. પ્રભુ તમારાં શુભ કાર્યોમાં રસ પૂરો.
લિ. શુભેચ્છક, રવિશંકર વ્યાસના આશીર્વાદ

[2] એકતાની વૃદ્ધિ થજો – કેદારનાથજી

હે નવદંપતી ! તમારી ઘણી મોટી અને પવિત્ર જવાબદારી પોતાને માથે લીધી છે. સંસારમાં અનેક મુશ્કેલીઓ છે, સંકટો છે. તે બધામાંથી તમારું શીલ કાયમ રાખી તમારે પાર જવાનું છે. ગૃહસ્થ જીવનમાં કોઈ કોઈ તમારા બેની વચ્ચે પણ મતભેદ અને અસંતોષના પ્રસંગો આવશે, પરંતુ તે વખતે તમે ઉદારતા રાખજો, એકબીજાને નભાવી લેતાં શીખજો. બીજાના દોષો વિશે ક્ષમાવૃત્તિ રાખજો. અહંકાર અને દુરાગ્રહ ન રાખતાં, અંતર્મુખ થઈને પોતાના દોષો શોધજો, તપાસજો અને સુધારજો. દુર્બુદ્ધિને ચિત્તમાં આશરો આપશો નહીં. માંહોમાંહે સંશય રાખશો નહીં. તમારા બન્નેને લીધે આખા કુટુંબમાં સુખ, આનંદ, પ્રેમ, વિશ્વાસ એકતાની વૃદ્ધિ થતી રહેવી જોઈએ.

[3] મતલબ અને મહોબત – દાદા ધર્માધિકારી

મતલબ અને મહોબત એ બે અલગ ચીજ છે. સ્ત્રી-પુરુષના સંબંધમાં જેટલી મતલબ આવે છે એટલું એમનું જીવન મુશ્કેલ બને છે. છોકરી દેવી છે, જ્યાં મિલકત છે ત્યાં. છોકરાના લગ્ન કરવા છે, જ્યાં સારો વાંકડો મળે ત્યાં. તો અહીં સંસ્કાર ગૌણ બની જાય છે અને સંપત્તિ પ્રધાન બની જાય છે. સ્નેહ સિવાયનાં આવાં કારણોસર જે લગ્ન થતાં હોય છે એમાં બન્ને એકમેકને પોતાનું શરીર વેચતાં હોય છે. એ શારીરિકતા છે. એ અસંસ્કારિતા છે, અનાર્યતા છે.

[4] મનહૃદયનો વિવાહ – ભવભૂતિ

વિવાહનો અર્થ માત્ર બાહ્ય વિવાહ નથી. વિવાહ એટલે હૃદયનો વિવાહ, મનનો વિવાહ. વરવધૂના ગળામાં માળા પહેરાવે છે. એનો અર્થ એ છે કે એકબીજાનું હૃદય-પુષ્પ એકબીજાને અર્પણ કરે છે. અગ્નિની ચારે બાજુ સાત પગલાં ચાલવું એટલે આજીવન સાથે ચાલવું, સહકાર આપવો. પતિ-પત્ની સુખમાં અને દુ:ખમાં સાથે રહેશે, સાથે ચડશે; સાથે પડશે. એમની આજુબાજુ સૂતર લપેટવામાં આવે છે. એનો અર્થ એ છે કે પતિ-પત્નીનું જીવનપટ એકસાથે વણાશે, તાણાવાણા એક થશે. હવે કંઈ પણ જુદાપણું રહેશે નહીં.

[5] અભીપ્સા અને આરોહણ – શ્રી માતાજી

તમારાં શારીરિક જીવનને જોડવાં, તમારા સ્થૂળ હિતની વસ્તુઓને જોડવી, જીવનની મુશ્કેલીઓ, પરાજયો-વિજયોનો સાથે રહીને સામનો કરવાને જીવનમાં સહકાર સાધવો-લગ્નનો આ જ પાયો છે. પણ તમે જાણો જ છો કે આટલી વસ્તુ પૂરતી નથી. એ સર્વથી પર, આપણા અનુભવના છેક તળિયે, મધ્યમાં અને ટોચ ઉપર અસ્તિત્વનું એક પરમ સત્ય, એક શાશ્વત પ્રકાશ આવી રહેલ છે; જન્મ, દેશ, પરિસ્થિતિ, કેળવણી એ બધાના સર્વ સંયોગથી સ્વતંત્ર એવા આપણા આધ્યાત્મિક વિકાસનું મૂળ છે. એ તત્વ આપણા અસ્તિત્વને એક ચોક્કસ નવી ગતિ આપે છે. આપણા ભાવિનો નિર્ણય એ તત્વ કરે છે. આ તત્વની સભાનતામાં તમારે મિલન સાધવાનું છે. અભીપ્સા અને આરોહણમાં એક થઈ રહેવું, આધ્યાત્મિક પથ ઉપર એકીસાથે ડગલાં ભરતાં ભરતાં આગળ વધવું – એક સ્થાયી મિલનનું રહસ્ય આવું છે.

[6] સાથીધર્મ – ઈશ્વર પેટલીકર

પુરુષ પોતાને સાથી ગણતો નથી, હલકી ગણે છે એવી (સ્ત્રીની) ફરિયાદમાં તથ્ય નથી એમ કહેવું નથી, પરંતુ કોઈ કોઈને સાથી બનાવતું નથી. દરેક અરસપરસ પોતાની લાયકાતના બળે સાથી બની રહેલાં જોવામાં આવે છે. એ રીતે જે સ્ત્રી પતિની સાથી બનવા માગતી હોય તેણે મિત્ર ને સાથી બનવા માટેની લાયકાત કેળવવી જોઈએ. દયાથી દાન મળે, ભિક્ષા મળે, દાસીપણું મળે, પરંતુ મૈત્રી ન મળે, સાથીપણું ન મળે. સ્ત્રીએ એ સમજી લેવાની જરૂર છે કે એ વસ્તુ પતિ પાસેથી માગી મળવાની નથી. જાતે એને માટે લાયક બનવાનું છે. એ બની રહેવાની રોજ રોજ તાલીમ લેવી એનું નામ સાથીધર્મ.

[7] સ્ત્રીનો આબેહૂબ પરિચય – શરદબાબુ

માનવતાની સાચી તવારીખ એટલે સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રેમની કથા. સ્ત્રી અને પુરુષ કંઈ એક નથી. એટલે બન્નેના આચાર-વિચારનો સરખી રીતે તોલ કરી શકાય નહીં. સ્ત્રીનો આબેહૂબ પરિચય તો વિશાળ દુ:ખ વેળા જ મળી રહે છે. એને પિછાનવા માટે આ સિવાય બીજું કોઈ સાધન હોય એમ લાગતું નથી. સ્ત્રી સઘળું સહન કરી લે છે – સિવાય પતિનું અપમાન. ગમે તેટલી ક્રૂરતા, અન્યાય, અનાચાર અનુભવવા છતાં પણ પુરુષ પ્રત્યે પ્રેમ, મમત્વ, ભાવના અને શ્રદ્ધા સ્ત્રી તો રાખતી જ આવી છે. અનિવાર્ય કારણે રસોઈમાં કંઈક ખામી રહી જાય અને પતિ સારી રીતે જમી શકે નહીં તો પત્નીના હૈયામાં કેવી વેદના થતી હશે, એ બધાને શી રીતે સમજાય ?

[8] સૌંદર્ય અને આનંદનું ઉગમસ્થાન – રવીન્દ્રનાથ ઠાકુર

સ્ત્રી થઈ પુરુષનું મન ન જીતી શકે તો બધી વિદ્યા વૃથા છે. સ્ત્રીનો સાચો ધર્મ પતિ અને બાળકોમાં સચવાયેલો છે. સ્ત્રી જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પોતાની આસપાસ બધી વસ્તુઓને એક પ્રકારના સૌંદર્ય અને સંયમથી બાંધી દે છે. પોતાના હલનચલન, વસ્ત્ર, આભૂષણ, વાતચીત, હાવભાવ – બધાંને એક પ્રકારનો અનિર્વચનીય ઘાટ આપે છે. એ સ્ત્રી કહેવાય છે. હે સ્ત્રી ! તું મારી એકાકી સ્થિતિનું સૌંદર્ય અને આનંદનું ઉગમસ્થાન છે. હું પૃથ્વી પર ચારે બાજુ ભટકતો હોઉં ત્યારે તું જ આવીને મારું જીવન વ્યવસ્થિત કરે છે. તું જ્યારે મારા ઘરમાં ફરતી હોય છે ત્યારે ત્યાં સ્વર્ગીય સૌંદર્ય અને આનંદની મને જાણ કરાવે છે. આખા દિવસના પરિશ્રમથી કંટાળેલા મગજને પ્રફુલ્લિત કરનાર તું જ છે, બીજું કોઈ નથી.

[9] લગ્નનો મર્મ – ફાધર વાલેસ

હસ્તમેળાપમાં બે હાથ ભેગા થયા હતા તે કંકુની છાપ (થાપા)માં પણ ભેગા થાય છે. બે હૃદયના મિલનનો એ સંકેત છે. બે જીવની એકતાનું પ્રતીક છે ને એક નવા જીવનના આગમનની આગાહી છે. લગ્નના દિવસે ઘરની દીવાલે વરકન્યાએ પાડેલી ચાર હથેલીઓની છાપ કરતાં દુનિયામાં બીજો કોઈ વધુ મંગળ સંકેત નહીં હોય. હે વરકન્યા ! તમારા જીવનના આ શુભમાં શુભ દિવસે તમે દિલમાં એ પ્રતિજ્ઞા લો અને એકબીજાની પાસે લેવડાવો કે હવે એ સુંદર છાપ, એ પવિત્ર મહોર, એ કંકુના થાપા તમે બધે પાડતા જશો; સમાજ ઉપર પાડતાં જશો ને દુનિયા ઉપર પાડતાં જશો. તમારા મિત્રો ઉપર પાડતાં જશો ને તમારા કુટુંબીઓ ઉપર પાડતાં જશો, તમારે ઘેર પાડતાં જશો ને તમારા સંતાનો ઉપર પાડતાં જશો – હા, અને વિશેષ તો એકબીજાના હૃદય ઉપર એ પ્રેમ, સમર્પણ ને ભક્તિરૂપ કંકુની મંગળ છાપ હંમેશાં પાડતાં રહો. આ તમારા લગ્નનો મર્મ છે.

[10] આદર્શ લગ્ન : ઉચ્ચતમ સિદ્ધિનું પ્રતીક – સર્વપલ્લી રાધાકૃષ્ણન (અનુ. નગીનદાસ પારેખ)

આદર્શ લગ્નમાં તો વિષયભોગ ધાર્મિક વિધિ બની જાય છે, આંતર લાલિત્યનું બાહ્ય ચિહ્ન બની જાય છે. સાચો પ્રેમ ટકી રહે એ માટે કોઈ ઉચ્ચ આદર્શની આવશ્યકતા હોય છે. બન્નેને સામાન્ય એવું ધ્યેય હોવું જોઈએ જેની સાધનામાં બન્ને પ્રેમીઓ પોતાનું જીવન સમર્પણ કરે. પતિ અને પત્ની એકબીજાનો સ્વીકાર કરે છે અને બન્નેમાં રહેલી અસમાનતાઓમાંથી એક સુંદર સંપૂર્ણ જીવન ઊભું કરે છે. સાચી મિત્રતાનો સંબંધ ઊભો કરવા તેમણે ભેગો પ્રયત્ન કરવાનો હોય છે; અને માર્ગમાં આવતી મુશ્કેલીઓનો હસતે મોઢે સામનો કરવાનો હોય છે. આ કાર્યમાં સફળ થવા ઈચ્છતા હોય તો તેમણે ધીરજ અને સંયમ, ક્ષમા અને ઉદારતા ધારણ કરવાં જોઈએ અને સદા જાગ્રત રહેવું જોઈએ. અનેક બાધાવિઘ્નોમાં થઈને લાંબે ગાળે બે વ્યક્તિઓનો વિકાસ સાધવો એ લગ્નનો હેતુ છે, એમ આપણે સ્વીકારીએ તો આપણા માર્ગમાં આવતી દરેક મુશ્કેલીને આપણે વધુ પુરુષાર્થ કરવાની હાકલ તરીકે લેખીશું. આદર્શ લગ્ન આપણા ધ્યેયની ઉચ્ચતમ સિદ્ધિનું પ્રતીક છે.
http://www.readgujarati.com/sahitya/?p=3621

Posted in Uncategorized | Tagged | 1 ટીકા

વિચારમાળાનાં મોતી

 • આ જગતમાંથી હું એક જ વાર પસાર થવાનો છું. તેથી, જો હું કશી મમતા બતાવી શકું તેમ હોઉં, કે કોઈ સારું કામ કરી શકું તેમ હોઉં તો લાવ, અત્યારે જ તે કરી લઉં; કારણ કે હું અહીંથી ફરી નીકળવાનો નથી.
 • આ ધરતી પર આદમ પછી બીજા મનુષ્યનું આગમન થયું તે ઘડીથી પહેલા માણસના હક અરધા થઈ ગયેલા. હવે તમારા હકોને દુનિયાની કુલ વસ્તી વડે ભાગો, અને તમને બધું સમજાઈ જશે.
 • આ પૃથ્વી વડવાઓ આપણે માટે મૂકતા નથી ગયા, પણ આપણાં સંતાનો પાસેથી તે આપણે ઉછીની લીધેલી છે – એમ સમજીને એની સંપત્તિનો ઉપયોગ કરજો.
 • આપણી પાસે કેટલું છે તેમાં નહીં, પણ આપણે કેટલું માણી શકીએ છીએ તેમાં સુખ સમાયેલું છે.
 • આ બધા સંતો, સંત શીદને કહેવાયા ? કારણ કે જ્યારે મોઢું હસતું રાખવું મુશ્કેલ હતું ત્યારે એમણે હસતું મુખ રાખેલું, ધીરજ ધરવી મુશ્કેલ હતી ત્યારે એમણે ધૈર્ય રાખેલું, જ્યારે વિસામો ખાવો હતો ત્યારે એમણે આગળ ધપ્યે રાખ્યું, બોલવું હતું ત્યારે મૌન સેવ્યું, અને કડવા થવું હતું ત્યારે મીઠાશ જાળવી. બસ, એટલું જ. આ સાવ સરળ હતું અને હંમેશ સરળ રહેશે.
 • કટાઈ જવું તેના કરતાં તો બહેતર છે ઘસાઈ જવું.
 • કુનેહ એનું નામ કે સામા માણસને વીજળીનો ચમકારો આપણે બતાવી શકીએ, પણ એનો આંચકો ન લાગવા દઈએ.
 • કેળવણી એટલે આપણો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ હરકોઈ વાત સાંભળવાની શક્તિ.
 • કોઈક દિવસ જે ધ્યેયનો પરાજય થવાનો છે તેમાં આજે વિજય મેળવવા કરતાં, કોઈક દિવસ જેની ફતેહ થવાની છે તેવા ધ્યેય કાજે અત્યારે હારવાનું હું પસંદ કરું.
 • ચાલુ પગારે પખવાડિયાની રજા મળી હોય તેનો શો ઉપયોગ કરવો એ વિશે આપણે જેટલું ચિંતન કરીએ છીએ તેટલું જ, આપણે જીવનમાંથી શું પ્રાપ્ત કરવું છે એ વિશે ફક્ત એક જ વાર વિચારીએ તો આપણા દિવસોની હેતુવિહીન હારમાળાથી આપણે ચોંકી ઊઠીએ.
 • જમાનો બહુ ખરાબ આવ્યો છે. ભલે, પણ તમને અહીં મોકલ્યા છે તે એને સારો કરવા માટે.
 • જિંદગીની આ બે સ્થિતિ સૌથી વધુ કરુણ છે: માતા વિનાનું ઘર અને ઘર વિનાની માતા.
 • જીવનની ઘણીખરી અવ્યવસ્થા અને દુષ્ટતા, શાંતિથી બેસીને વિચાર કરવાની માનવીની અશક્તિનું પરિણામ છે.
 • જે માણસ બૂરું કામ કરે છે, છતાં તે બહાર પડી જાય તેથી ડરે છે – તેની બુરાઈમાં પણ હજુ સારપનો અંશ છે. પરંતુ જે સારું કામ કરે છે, પણ તે ચોમેર જાણીતું થાય તે માટે આતુર રહે છે – તેની તો સારપમાંયે બુરાઈનો અંશ છે.
 • તમારા મિત્રોની ટીકા કરવામાં તમે દર્દ અનુભવતા હો, તો એ ટીકા કરવામાં વાંધો નથી; પણ જો એમાં તમને લેશ પણ લિજ્જત આવતી હોય, તો પછી તે ઘડી તમારું મોં બંધ રાખવાની સમજજો.
 • તમે ખોટા પાત્રને પરણ્યા હો તો તરત તમને તેની ખબર પડી જાય છે; સાચા પાત્રને પરણ્યા હો તો જીવનભર ખબર જ નથી પડતી.
 • દરેક પતિના જીવનમાં બે પાસાં હોય છે : એક, જેને પત્ની જાણે છે; અને બીજું, જેને પત્ની નથી જાણતી એમ પતિ માને છે તે.
 • દરેક સુથાર જાણે છે કે કરવત મૂકવા અંગેનો સોનેરી નિયમ એ છે કે, બે વાર માપીને એક વાર વેરવું. બોલવા અંગેનો સોનેરી નિયમ પણ એ જ છે.
 • નિશ્ચય કરો કે નાનાં સાથે નાજુકાઈથી, ઘરડાં સાથે કરુણાથી, મથનારાંઓ સાથે સહાનુભૂતિથી, અને નબળાં ને ખોટાં હોય તેમની સાથે સહિષ્ણુતાથી વર્તશો. જિંદગીમાં ક્યારેક તો તમે એ બધાંના જેવા હશો જ.
 • સ્ત્રીજીવનનો આ મહિમા છે કે નાનામાં નાની વાતને પણ એ પ્રેમ વડે મહાન બનાવી શકે છે.
 • પુસ્તકનો એકમાત્ર સાચો ઉપયોગ માણસને જાતે વિચારતો કરવામાં રહેલો છે. જે ચોપડી માણસને વિચારતો ન કરી મૂકે તેની કિંમત અભરાઈ પર એણે રોકેલી જગ્યા જેટલી પણ નથી.
 • બધા માણસોને સત્ય બોલતાં શીખવવું હોય તો સાથોસાથ બધાએ સત્ય સાંભળતાં પણ શીખવું પડશે.
 • બાળક એ કોઈ વાસણ નથી કે એને ભરી કાઢીએ – એ એક જ્યોત છે, જેને પેટાવવાની છે.
 • બીજાઓથી ન થઈ શકે તે કરવું, એનું નામ આવડત. આવડતથી જે ન થઈ શકે તે કરવું, એનું નામ પ્રતિભા.
 • મારગમાં તમને જે તૂફાનો ભેટ્યાં તેમાં જગતને રસ નથી; તમે નૌકા પાર ઉતારી કે નહિ, તે કહો!
 • ‘મારામાં કંઈ બળ્યું નથી’ – એવો ભ્રમ જેને હોય તે ગૃહિણી એક જ દિવસ માંદગીમાં પથારીવશ રહીને પતિને ઘર તથા બાળકો સંભાળવા દઈ જુએ.
 • રમવા જતાં બાળકોને અને ચોરે બેસવા જતાં ઘરડાંઓને રોકી રાખી શકે, એનું નામ વારતા.
 • રોટલો કેમ રળવો તે નહિ – પણ દરેક કોળિયાને વધુ મીઠો કેવી રીતે બનાવવો, તે કેળવણી મારફતે આપણે પહેલું શીખવાનું છે.
 • વાદવિવાદમાં છેલ્લો હરફ જો તમારે જ ઉચ્ચારવો હોય તો આટલું બોલવાની કોશિશ કરજો : ‘મને લાગે છે કે તમારી વાત સાચી છે.’
 • શિક્ષણે એવો એક વિરાટ લોકસમૂહ પેદા કર્યો છે જે વાંચી શકે છે, પણ શું વાંચવા જેવું છે તેનો વિવેક કરી શકતો નથી.
 • સલામતીનો આધાર આપણી પાસે કેટલું છે તેની પર નહીં, પણ કેટલા વિના આપણે ચલાવી શકીએ તેમ છીએ તેની પર છે.
 • સાચી સન્નારી એ જેટલી સુંદર વસ્તુ છે તેટલી જ તેની વ્યાખ્યા કરવી અઘરી છે. એ દિશામાં આ રીતે આરંભ થઈ શકે : સન્નારી એટલે એવી સ્ત્રી કે જેની હાજરીમાં પુરુષ એક સજ્જન બની રહે.
 • હિંમત એનું નામ કે માણસ ઊભો થઈને પોતાની વાત સંભળાવી દે; હિંમત એનું પણ નામ કે માણસ બેસીને બીજાની વાત સાંભળે.
 • હે દયાળુ ! કાં તો મારો બોજ હળવો કરજે, ને કાં તો મારો બરડો મજબૂત બનાવજે.

[ગોપાલભાઈ મેઘાણી સંપાદિત ‘વિચારમાળાનાં મોતી’માંથી સાભાર]
http://www.readgujarati.com/sahitya/?p=3010

Posted in ગોપાલ મેઘાણી | 1 ટીકા

હું એટલું શીખ્યો છું કે…

હું એટલું શીખ્યો છું….

… કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે.

… કે પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાય છે.

… કે તમે મારો દિવસ સુધારી દીધો – એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દે છે.

… કે આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે.

… કે દયાળુ અને માયાળુ બનવું તે ખરા બનવા કરતા વધારે સારું છે.

… કે બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર ન કરવો જોઈએ.

… કે કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ.

… કે આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડે પણ આપણી પાસે એવા બેચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળાટપ્પાં કરી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.

… કે દરેકેદરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને લાગણીભર્યા હૃદયની જરૂર પડતી જ હોય છે, જે તેને સમજી શકે.

… કે જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમ નજીક આવે તેમ તેમ વધારે ઝડપથી ભાગવા લાગે!

… કે આપણને બધું જ નથી આપ્યું એ ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે!

… કે પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો.

… કે રોજિંદા વ્યવહારની નાની નાની ઘટનાઓ જ જિંદગીને સાચું સ્વરૂપ આપતી હોય છે.

… કે દરેકના બખ્તરિયા કોચલા નીચે એક એવી વ્યક્તિ હોય જ છે જ પ્રેમ અને લાગણી ઝંખે છે.

… કે આપણા ગણવાથી કે ન ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જતી, એટલે હકીકતનો સ્વીકાર કરતાં શીખવું.

… કે સમય કરતાં પણ પ્રેમમાં જ દરેક ઘાને રુઝવવાની શક્તિ રહેલી છે.

… કે મારો વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો મારાથી વધારે પ્રતિભાશાળી લોકો વચ્ચે રહેવું એ છે.

… કે જેને મળીએ તેને બની શકે તો એક સ્મિત તો ભેટ આપવું જ જોઈએ.

… કે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, સિવાય કે જેની સાથે તમે પ્રેમમાં પડો!

… કે જિંદગી અતિકઠિન છે, પણ હું કાંઈ ઓછો મજબૂત તો નથી જ!

… કે અમૂલ્ય તક ક્યારેય વ્યર્થ જતી જ નથી. આપણે જો ન ઝડપી લઈએ તો બીજુ કોઈક એ ઝડપી લેવા તૈયાર જ હોય છે.

… કે તમે જો કટુતા-કડવાશને હૃદયમાં આશરો આપશો તો ખુશાલી બીજે રહેવા જતી રહેશે ! એમને અંદરોઅંદર જરાય બનતું નથી!

… કે બોલેલા શબ્દોને દરેક જણાને નરમ અને મીઠાશભર્યાં જ રાખવા જોઈએ, કારણ કે ન કરે નારાયણ અને કાલે કદાચ એને પોતાને જ એ પાછા ગળવાનો વારો આવે તો તકલીફ ન પડે!

… કે સુંદર મજાનું સ્મિત એ ચહેરાની સુંદરતા વિનામૂલ્યે વધારવાનું એક અદ્દભુત ઔષધ છે.

… કે નાનકડો પૌત્ર કે પૌત્રી જ્યારે દાદા-દાદીની ઘરડી આંગળી પોતાની નાનકડી મુઠ્ઠીમાં પકડે છે ત્યારે હકીકતમાં તો એ દાદા-દાદીને જિંદગી જીવવાનો ટેકો આપે છે. એમને જિંદગી સાથે બાંધે છે.

… કે દરેક જણને પહાડની ટોચ પર રહેવાની તમન્ના હોય છે. પણ સાચો આનંદ અને વિકાસ ત્યાં સુધી પહોંચવામાં જ હોય છે.

… કે કોઈને શિખામણ ફક્ત બે જ સંજોગોમાં આપવી જોઈએ : એક, જો સામી વ્યક્તિએ એ માંગી હોય અને બીજું જો એના જીવનમરણનો સવાલ હોય.

… કે અગત્યના કામ માટે સમય જેટલો ઓછો મળે તેટલું કામ વધારે ઝડપથી થઈ શકે છે.

… કે સારા મિત્રો અદ્દભુત ખજાના જેવા હોય છે. એ લોકો તમારા ચહેરાને સ્મિતની ભેટ આપે છે, તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે, તમારી વાતો (ઘણી વખત તો સાવ ફાલતુ વાતો) પણ ધ્યાનથી તેમજ રસથી સાંભળે છે, તમારી નિ:સ્વાર્થ પ્રશંસા કરે છે અને એમના હૃદયના દરવાજા હંમેશ હંમેશ તમારા માટે ખુલ્લા રાખે છે http://www.readgujarati.com/sahitya/?p=938

Posted in ડૉ. આઈ. કે. વિજળીવાળા | 3 ટિપ્પણીઓ

સંખ્યાવાચન: એકથી પરાર્ધ સુધી

સંખ્યા વાચન અંગ્રેજીમાં આંકડામાં સંખ્યા કેટલા મીંડા? વિજ્ઞાનની ભાષા
એક વન ૧૦^૦
દસ ટેન ૧૦ ૧૦^૧
સો હન્ડ્રેડ ૧૦૦ ૧૦^૨
હજાર થાઉઝન્ડ ૧,૦૦૦ ૧૦^૩
દસ હજાર ટેન થાઉઝન્ડ ૧૦,૦૦૦ ૧૦^૪
લાખ હંડ્રેડ થાઉઝન્ડ ૧,૦૦,૦૦૦ ૧૦^૫
દસ લાખ મિલિયન ૧૦,૦૦,૦૦૦ ૧૦^૬
કરોડ ટેન મિલિયન ૧,૦૦,૦૦,૦૦૦ ૧૦^૭
દસ કરોડ હન્ડ્રેડ મિલિયન ૧૦,૦૦,૦૦,૦૦૦ ૧૦^૮
અબજ બિલિયન ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ ૧૦^૯
ખર્વ ટેન બિલિયન ૧૦,૦૦,૦૦,૦૦,૦૦૦ ૧૦ ૧૦^૧૦
નિખર્વ હન્ડ્રેડ બિલિયન ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ ૧૧ ૧૦^૧૧
મહાપદ્મ ટ્રિલિયન ૧૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ ૧૨ ૧૦^૧૨
શંકુ ટેન ટ્રિલિયન ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ ૧૩ ૧૦^૧૩
જલધિ હન્ડ્રેડ ટ્રિલિયન ૧૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ ૧૪ ૧૦^૧૪
અંત્ય ક્વાડ્રિલિયન ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ ૧૫ ૧૦^૧૫
મધ્ય ટેન ક્વાડ્રિલિયન ૧૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ ૧૬ ૧૦^૧૬
પરાર્ધ હન્ડ્રેડ ક્વાડ્રિલિયન ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ ૧૭ ૧૦^૧૭

[જન્માષ્ટમિની શુભેચ્છાઓ]

Posted in જાણકારી | Tagged | 4 ટિપ્પણીઓ

મિલિયનમાં કેટલા મીંડા આવે?

આપણી ગુજરાતીમાં આપણે રકમ લખવા/ગણવા માટે એકમ, દશક, સો, હજાર, દશ હજાર, લાખ, દશ લાખ, કરોડ, દશ કરોડ, અબજ જેવા શબ્દો વાપરીએ છીએ. સામાન્ય માણસને કરોડ કે અબજ સુધીની સમજ હોય છે તે પછી ખર્વ, નિખર્વ, મહાપદ્મ, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય અને પરાર્ધ વપરાય છે એમ શાસ્ત્રો કહે છે.

આજકાલ ચલણમાં છે મિલિયન, બિલિયન અને ટ્રિલિયન, ચાલો જાણી લઈએ:

૧ મિલિયન = ૧,૦૦૦,૦૦૦ (આપણી ભાષામાં દસ લાખ)

૧ બિલિયન = ૧૦૦૦ મિલિયન

૧ ટ્રિલિયન =  ૧૦૦૦ બિલિયન

[ભૂલ-ચૂક માફ, ગણિત પહેલેથી કાચું છે]

Posted in જાણકારી | Tagged , , , , | 6 ટિપ્પણીઓ