વિચારમાળાનાં મોતી

 • આ જગતમાંથી હું એક જ વાર પસાર થવાનો છું. તેથી, જો હું કશી મમતા બતાવી શકું તેમ હોઉં, કે કોઈ સારું કામ કરી શકું તેમ હોઉં તો લાવ, અત્યારે જ તે કરી લઉં; કારણ કે હું અહીંથી ફરી નીકળવાનો નથી.
 • આ ધરતી પર આદમ પછી બીજા મનુષ્યનું આગમન થયું તે ઘડીથી પહેલા માણસના હક અરધા થઈ ગયેલા. હવે તમારા હકોને દુનિયાની કુલ વસ્તી વડે ભાગો, અને તમને બધું સમજાઈ જશે.
 • આ પૃથ્વી વડવાઓ આપણે માટે મૂકતા નથી ગયા, પણ આપણાં સંતાનો પાસેથી તે આપણે ઉછીની લીધેલી છે – એમ સમજીને એની સંપત્તિનો ઉપયોગ કરજો.
 • આપણી પાસે કેટલું છે તેમાં નહીં, પણ આપણે કેટલું માણી શકીએ છીએ તેમાં સુખ સમાયેલું છે.
 • આ બધા સંતો, સંત શીદને કહેવાયા ? કારણ કે જ્યારે મોઢું હસતું રાખવું મુશ્કેલ હતું ત્યારે એમણે હસતું મુખ રાખેલું, ધીરજ ધરવી મુશ્કેલ હતી ત્યારે એમણે ધૈર્ય રાખેલું, જ્યારે વિસામો ખાવો હતો ત્યારે એમણે આગળ ધપ્યે રાખ્યું, બોલવું હતું ત્યારે મૌન સેવ્યું, અને કડવા થવું હતું ત્યારે મીઠાશ જાળવી. બસ, એટલું જ. આ સાવ સરળ હતું અને હંમેશ સરળ રહેશે.
 • કટાઈ જવું તેના કરતાં તો બહેતર છે ઘસાઈ જવું.
 • કુનેહ એનું નામ કે સામા માણસને વીજળીનો ચમકારો આપણે બતાવી શકીએ, પણ એનો આંચકો ન લાગવા દઈએ.
 • કેળવણી એટલે આપણો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ હરકોઈ વાત સાંભળવાની શક્તિ.
 • કોઈક દિવસ જે ધ્યેયનો પરાજય થવાનો છે તેમાં આજે વિજય મેળવવા કરતાં, કોઈક દિવસ જેની ફતેહ થવાની છે તેવા ધ્યેય કાજે અત્યારે હારવાનું હું પસંદ કરું.
 • ચાલુ પગારે પખવાડિયાની રજા મળી હોય તેનો શો ઉપયોગ કરવો એ વિશે આપણે જેટલું ચિંતન કરીએ છીએ તેટલું જ, આપણે જીવનમાંથી શું પ્રાપ્ત કરવું છે એ વિશે ફક્ત એક જ વાર વિચારીએ તો આપણા દિવસોની હેતુવિહીન હારમાળાથી આપણે ચોંકી ઊઠીએ.
 • જમાનો બહુ ખરાબ આવ્યો છે. ભલે, પણ તમને અહીં મોકલ્યા છે તે એને સારો કરવા માટે.
 • જિંદગીની આ બે સ્થિતિ સૌથી વધુ કરુણ છે: માતા વિનાનું ઘર અને ઘર વિનાની માતા.
 • જીવનની ઘણીખરી અવ્યવસ્થા અને દુષ્ટતા, શાંતિથી બેસીને વિચાર કરવાની માનવીની અશક્તિનું પરિણામ છે.
 • જે માણસ બૂરું કામ કરે છે, છતાં તે બહાર પડી જાય તેથી ડરે છે – તેની બુરાઈમાં પણ હજુ સારપનો અંશ છે. પરંતુ જે સારું કામ કરે છે, પણ તે ચોમેર જાણીતું થાય તે માટે આતુર રહે છે – તેની તો સારપમાંયે બુરાઈનો અંશ છે.
 • તમારા મિત્રોની ટીકા કરવામાં તમે દર્દ અનુભવતા હો, તો એ ટીકા કરવામાં વાંધો નથી; પણ જો એમાં તમને લેશ પણ લિજ્જત આવતી હોય, તો પછી તે ઘડી તમારું મોં બંધ રાખવાની સમજજો.
 • તમે ખોટા પાત્રને પરણ્યા હો તો તરત તમને તેની ખબર પડી જાય છે; સાચા પાત્રને પરણ્યા હો તો જીવનભર ખબર જ નથી પડતી.
 • દરેક પતિના જીવનમાં બે પાસાં હોય છે : એક, જેને પત્ની જાણે છે; અને બીજું, જેને પત્ની નથી જાણતી એમ પતિ માને છે તે.
 • દરેક સુથાર જાણે છે કે કરવત મૂકવા અંગેનો સોનેરી નિયમ એ છે કે, બે વાર માપીને એક વાર વેરવું. બોલવા અંગેનો સોનેરી નિયમ પણ એ જ છે.
 • નિશ્ચય કરો કે નાનાં સાથે નાજુકાઈથી, ઘરડાં સાથે કરુણાથી, મથનારાંઓ સાથે સહાનુભૂતિથી, અને નબળાં ને ખોટાં હોય તેમની સાથે સહિષ્ણુતાથી વર્તશો. જિંદગીમાં ક્યારેક તો તમે એ બધાંના જેવા હશો જ.
 • સ્ત્રીજીવનનો આ મહિમા છે કે નાનામાં નાની વાતને પણ એ પ્રેમ વડે મહાન બનાવી શકે છે.
 • પુસ્તકનો એકમાત્ર સાચો ઉપયોગ માણસને જાતે વિચારતો કરવામાં રહેલો છે. જે ચોપડી માણસને વિચારતો ન કરી મૂકે તેની કિંમત અભરાઈ પર એણે રોકેલી જગ્યા જેટલી પણ નથી.
 • બધા માણસોને સત્ય બોલતાં શીખવવું હોય તો સાથોસાથ બધાએ સત્ય સાંભળતાં પણ શીખવું પડશે.
 • બાળક એ કોઈ વાસણ નથી કે એને ભરી કાઢીએ – એ એક જ્યોત છે, જેને પેટાવવાની છે.
 • બીજાઓથી ન થઈ શકે તે કરવું, એનું નામ આવડત. આવડતથી જે ન થઈ શકે તે કરવું, એનું નામ પ્રતિભા.
 • મારગમાં તમને જે તૂફાનો ભેટ્યાં તેમાં જગતને રસ નથી; તમે નૌકા પાર ઉતારી કે નહિ, તે કહો!
 • ‘મારામાં કંઈ બળ્યું નથી’ – એવો ભ્રમ જેને હોય તે ગૃહિણી એક જ દિવસ માંદગીમાં પથારીવશ રહીને પતિને ઘર તથા બાળકો સંભાળવા દઈ જુએ.
 • રમવા જતાં બાળકોને અને ચોરે બેસવા જતાં ઘરડાંઓને રોકી રાખી શકે, એનું નામ વારતા.
 • રોટલો કેમ રળવો તે નહિ – પણ દરેક કોળિયાને વધુ મીઠો કેવી રીતે બનાવવો, તે કેળવણી મારફતે આપણે પહેલું શીખવાનું છે.
 • વાદવિવાદમાં છેલ્લો હરફ જો તમારે જ ઉચ્ચારવો હોય તો આટલું બોલવાની કોશિશ કરજો : ‘મને લાગે છે કે તમારી વાત સાચી છે.’
 • શિક્ષણે એવો એક વિરાટ લોકસમૂહ પેદા કર્યો છે જે વાંચી શકે છે, પણ શું વાંચવા જેવું છે તેનો વિવેક કરી શકતો નથી.
 • સલામતીનો આધાર આપણી પાસે કેટલું છે તેની પર નહીં, પણ કેટલા વિના આપણે ચલાવી શકીએ તેમ છીએ તેની પર છે.
 • સાચી સન્નારી એ જેટલી સુંદર વસ્તુ છે તેટલી જ તેની વ્યાખ્યા કરવી અઘરી છે. એ દિશામાં આ રીતે આરંભ થઈ શકે : સન્નારી એટલે એવી સ્ત્રી કે જેની હાજરીમાં પુરુષ એક સજ્જન બની રહે.
 • હિંમત એનું નામ કે માણસ ઊભો થઈને પોતાની વાત સંભળાવી દે; હિંમત એનું પણ નામ કે માણસ બેસીને બીજાની વાત સાંભળે.
 • હે દયાળુ ! કાં તો મારો બોજ હળવો કરજે, ને કાં તો મારો બરડો મજબૂત બનાવજે.

[ગોપાલભાઈ મેઘાણી સંપાદિત ‘વિચારમાળાનાં મોતી’માંથી સાભાર]
http://www.readgujarati.com/sahitya/?p=3010

Advertisements
This entry was posted in ગોપાલ મેઘાણી. Bookmark the permalink.

One Response to વિચારમાળાનાં મોતી

 1. manubhai s valand કહે છે:

  vicharmalana moti ‘ moti karta pan mongha che ! adbhut !!! aabhar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s