લગ્નમાંગલ્ય [સંકલિત]

[1] રવિશંકર મહારાજના આશીર્વાદ

આજે તમે નવદંપતી સંસારમાં સમજપૂર્વક પ્રવેશ કરો છો, તમારા માટે આ શુભ દિવસ છે. તમારા વડીલો તરફથી તમારા લગ્નની પસંદગી થઈ ત્યારથી જ તમે એકબીજાં સાથે માનસિક રીતે તો વરી ચૂક્યાં છો પણ આજે વડીલો, શુભેચ્છકો અને સમાજના સજ્જન પુરુષોના સાંનિધ્યમાં પ્રત્યક્ષ રીતે વરો છો અને આશીર્વાદ મેળવો છો. પ્રભુ તમારું કલ્યાણ કરો. તમારો સંસાર સુખરૂપ નીવડે એટલા ખાતર થોડી સલાહ આપું છું :

લગ્ન એ સંસ્કાર છે. એમાં પ્રેમ, પવિત્રતા અને ત્યાગનું પ્રાધાન્ય છે. લગ્નમાં સુખ મેળવવા કરતાં સુખ આપવાનો વિચાર રહેલો છે. એટલે જેની સાથે લગ્નગ્રંથિથી જોડાઈએ, એની પાસેથી સુખ મળશે એવી આશા રાખ્યા કરતાં, હું એને સુખી કરીશ, એવી ભાવનાથી લગ્ન કરવું જોઈએ. આમ થાય તો કદી દુ:ખ ભોગવવા વારો આવે નહીં. લગ્ન એટલે જ્ઞાનપૂર્વક શુદ્ધ પ્રેમનું સમર્પણ. તમે એકબીજાની શાંતિ માટે તમારું સર્વસ્વ અર્પણ કરજો જેથી તમારાં શરીર જુદા દેખાવા છતાં એક જ હોય. તમારા વાણી, વિચાર અને વર્તન એક જ હોય. જુદી જુદી નદીઓનાં પાણી ભેગાં થાય છે ત્યારે ઓળખાતાં નથી તેમ તમારાં કાર્યો જુદાં છે એમ તમને પણ ન દેખાય એ રીતે વર્તજો.

તમારું એકેએક કાર્ય સાથે વિચારેલું અને સુખદુ:ખ જ્ઞાનપૂર્વક ભોગવેલું હોવું જોઈએ. સંજોગોવશાત જે સ્થિતિ પ્રાપ્ત થાય તેમાં રસપૂર્વક સાથે રહેતાં શીખજો. સુખ માટે બહાર ફાંફાં નહીં મારતાં અંદર શોધજો અને આવતી આપત્તિ ટાળવા નૈતિક દષ્ટિએ પુરુષાર્થ કરજો. સત્કાર્યો અને સજ્જનોનો સહવાસ શોધજો, એ હંમેશાં સુખકર નીવડે છે. શુદ્ધ શારીરિક શ્રમ અને જીવનવહેવાર કરકસરથી કરતાં જરૂરિયાતો ઘટે છે. ઓછી જરૂરિયાતો જ જીવનમાં શાંતિ આપે છે. ધનની લાલસા વધારશો નહીં. છતાં પુરુષાર્થ કરવામાં પ્રમાદ ન સેવશો. હસતે મોઢે મર્દાઈથી જીવજો. જીવનમાં ગૂંચ પડે તો ઉકેલજો, તોડશો નહીં. તૂટેલી ગૂંચ કદાચ સંધાય ખરી પણ વચ્ચે ગાંઠ રહી જાય છે.

આજનો આ પવિત્ર દિવસ યાદ રાખી શુદ્ધ પ્રેમની મૂડી વધારજો. સાંસારિક ભોગો ભોગવવામાં સંયમ સેવજો. પ્રભુ તમારાં શુભ કાર્યોમાં રસ પૂરો.
લિ. શુભેચ્છક, રવિશંકર વ્યાસના આશીર્વાદ

[2] એકતાની વૃદ્ધિ થજો – કેદારનાથજી

હે નવદંપતી ! તમારી ઘણી મોટી અને પવિત્ર જવાબદારી પોતાને માથે લીધી છે. સંસારમાં અનેક મુશ્કેલીઓ છે, સંકટો છે. તે બધામાંથી તમારું શીલ કાયમ રાખી તમારે પાર જવાનું છે. ગૃહસ્થ જીવનમાં કોઈ કોઈ તમારા બેની વચ્ચે પણ મતભેદ અને અસંતોષના પ્રસંગો આવશે, પરંતુ તે વખતે તમે ઉદારતા રાખજો, એકબીજાને નભાવી લેતાં શીખજો. બીજાના દોષો વિશે ક્ષમાવૃત્તિ રાખજો. અહંકાર અને દુરાગ્રહ ન રાખતાં, અંતર્મુખ થઈને પોતાના દોષો શોધજો, તપાસજો અને સુધારજો. દુર્બુદ્ધિને ચિત્તમાં આશરો આપશો નહીં. માંહોમાંહે સંશય રાખશો નહીં. તમારા બન્નેને લીધે આખા કુટુંબમાં સુખ, આનંદ, પ્રેમ, વિશ્વાસ એકતાની વૃદ્ધિ થતી રહેવી જોઈએ.

[3] મતલબ અને મહોબત – દાદા ધર્માધિકારી

મતલબ અને મહોબત એ બે અલગ ચીજ છે. સ્ત્રી-પુરુષના સંબંધમાં જેટલી મતલબ આવે છે એટલું એમનું જીવન મુશ્કેલ બને છે. છોકરી દેવી છે, જ્યાં મિલકત છે ત્યાં. છોકરાના લગ્ન કરવા છે, જ્યાં સારો વાંકડો મળે ત્યાં. તો અહીં સંસ્કાર ગૌણ બની જાય છે અને સંપત્તિ પ્રધાન બની જાય છે. સ્નેહ સિવાયનાં આવાં કારણોસર જે લગ્ન થતાં હોય છે એમાં બન્ને એકમેકને પોતાનું શરીર વેચતાં હોય છે. એ શારીરિકતા છે. એ અસંસ્કારિતા છે, અનાર્યતા છે.

[4] મનહૃદયનો વિવાહ – ભવભૂતિ

વિવાહનો અર્થ માત્ર બાહ્ય વિવાહ નથી. વિવાહ એટલે હૃદયનો વિવાહ, મનનો વિવાહ. વરવધૂના ગળામાં માળા પહેરાવે છે. એનો અર્થ એ છે કે એકબીજાનું હૃદય-પુષ્પ એકબીજાને અર્પણ કરે છે. અગ્નિની ચારે બાજુ સાત પગલાં ચાલવું એટલે આજીવન સાથે ચાલવું, સહકાર આપવો. પતિ-પત્ની સુખમાં અને દુ:ખમાં સાથે રહેશે, સાથે ચડશે; સાથે પડશે. એમની આજુબાજુ સૂતર લપેટવામાં આવે છે. એનો અર્થ એ છે કે પતિ-પત્નીનું જીવનપટ એકસાથે વણાશે, તાણાવાણા એક થશે. હવે કંઈ પણ જુદાપણું રહેશે નહીં.

[5] અભીપ્સા અને આરોહણ – શ્રી માતાજી

તમારાં શારીરિક જીવનને જોડવાં, તમારા સ્થૂળ હિતની વસ્તુઓને જોડવી, જીવનની મુશ્કેલીઓ, પરાજયો-વિજયોનો સાથે રહીને સામનો કરવાને જીવનમાં સહકાર સાધવો-લગ્નનો આ જ પાયો છે. પણ તમે જાણો જ છો કે આટલી વસ્તુ પૂરતી નથી. એ સર્વથી પર, આપણા અનુભવના છેક તળિયે, મધ્યમાં અને ટોચ ઉપર અસ્તિત્વનું એક પરમ સત્ય, એક શાશ્વત પ્રકાશ આવી રહેલ છે; જન્મ, દેશ, પરિસ્થિતિ, કેળવણી એ બધાના સર્વ સંયોગથી સ્વતંત્ર એવા આપણા આધ્યાત્મિક વિકાસનું મૂળ છે. એ તત્વ આપણા અસ્તિત્વને એક ચોક્કસ નવી ગતિ આપે છે. આપણા ભાવિનો નિર્ણય એ તત્વ કરે છે. આ તત્વની સભાનતામાં તમારે મિલન સાધવાનું છે. અભીપ્સા અને આરોહણમાં એક થઈ રહેવું, આધ્યાત્મિક પથ ઉપર એકીસાથે ડગલાં ભરતાં ભરતાં આગળ વધવું – એક સ્થાયી મિલનનું રહસ્ય આવું છે.

[6] સાથીધર્મ – ઈશ્વર પેટલીકર

પુરુષ પોતાને સાથી ગણતો નથી, હલકી ગણે છે એવી (સ્ત્રીની) ફરિયાદમાં તથ્ય નથી એમ કહેવું નથી, પરંતુ કોઈ કોઈને સાથી બનાવતું નથી. દરેક અરસપરસ પોતાની લાયકાતના બળે સાથી બની રહેલાં જોવામાં આવે છે. એ રીતે જે સ્ત્રી પતિની સાથી બનવા માગતી હોય તેણે મિત્ર ને સાથી બનવા માટેની લાયકાત કેળવવી જોઈએ. દયાથી દાન મળે, ભિક્ષા મળે, દાસીપણું મળે, પરંતુ મૈત્રી ન મળે, સાથીપણું ન મળે. સ્ત્રીએ એ સમજી લેવાની જરૂર છે કે એ વસ્તુ પતિ પાસેથી માગી મળવાની નથી. જાતે એને માટે લાયક બનવાનું છે. એ બની રહેવાની રોજ રોજ તાલીમ લેવી એનું નામ સાથીધર્મ.

[7] સ્ત્રીનો આબેહૂબ પરિચય – શરદબાબુ

માનવતાની સાચી તવારીખ એટલે સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રેમની કથા. સ્ત્રી અને પુરુષ કંઈ એક નથી. એટલે બન્નેના આચાર-વિચારનો સરખી રીતે તોલ કરી શકાય નહીં. સ્ત્રીનો આબેહૂબ પરિચય તો વિશાળ દુ:ખ વેળા જ મળી રહે છે. એને પિછાનવા માટે આ સિવાય બીજું કોઈ સાધન હોય એમ લાગતું નથી. સ્ત્રી સઘળું સહન કરી લે છે – સિવાય પતિનું અપમાન. ગમે તેટલી ક્રૂરતા, અન્યાય, અનાચાર અનુભવવા છતાં પણ પુરુષ પ્રત્યે પ્રેમ, મમત્વ, ભાવના અને શ્રદ્ધા સ્ત્રી તો રાખતી જ આવી છે. અનિવાર્ય કારણે રસોઈમાં કંઈક ખામી રહી જાય અને પતિ સારી રીતે જમી શકે નહીં તો પત્નીના હૈયામાં કેવી વેદના થતી હશે, એ બધાને શી રીતે સમજાય ?

[8] સૌંદર્ય અને આનંદનું ઉગમસ્થાન – રવીન્દ્રનાથ ઠાકુર

સ્ત્રી થઈ પુરુષનું મન ન જીતી શકે તો બધી વિદ્યા વૃથા છે. સ્ત્રીનો સાચો ધર્મ પતિ અને બાળકોમાં સચવાયેલો છે. સ્ત્રી જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પોતાની આસપાસ બધી વસ્તુઓને એક પ્રકારના સૌંદર્ય અને સંયમથી બાંધી દે છે. પોતાના હલનચલન, વસ્ત્ર, આભૂષણ, વાતચીત, હાવભાવ – બધાંને એક પ્રકારનો અનિર્વચનીય ઘાટ આપે છે. એ સ્ત્રી કહેવાય છે. હે સ્ત્રી ! તું મારી એકાકી સ્થિતિનું સૌંદર્ય અને આનંદનું ઉગમસ્થાન છે. હું પૃથ્વી પર ચારે બાજુ ભટકતો હોઉં ત્યારે તું જ આવીને મારું જીવન વ્યવસ્થિત કરે છે. તું જ્યારે મારા ઘરમાં ફરતી હોય છે ત્યારે ત્યાં સ્વર્ગીય સૌંદર્ય અને આનંદની મને જાણ કરાવે છે. આખા દિવસના પરિશ્રમથી કંટાળેલા મગજને પ્રફુલ્લિત કરનાર તું જ છે, બીજું કોઈ નથી.

[9] લગ્નનો મર્મ – ફાધર વાલેસ

હસ્તમેળાપમાં બે હાથ ભેગા થયા હતા તે કંકુની છાપ (થાપા)માં પણ ભેગા થાય છે. બે હૃદયના મિલનનો એ સંકેત છે. બે જીવની એકતાનું પ્રતીક છે ને એક નવા જીવનના આગમનની આગાહી છે. લગ્નના દિવસે ઘરની દીવાલે વરકન્યાએ પાડેલી ચાર હથેલીઓની છાપ કરતાં દુનિયામાં બીજો કોઈ વધુ મંગળ સંકેત નહીં હોય. હે વરકન્યા ! તમારા જીવનના આ શુભમાં શુભ દિવસે તમે દિલમાં એ પ્રતિજ્ઞા લો અને એકબીજાની પાસે લેવડાવો કે હવે એ સુંદર છાપ, એ પવિત્ર મહોર, એ કંકુના થાપા તમે બધે પાડતા જશો; સમાજ ઉપર પાડતાં જશો ને દુનિયા ઉપર પાડતાં જશો. તમારા મિત્રો ઉપર પાડતાં જશો ને તમારા કુટુંબીઓ ઉપર પાડતાં જશો, તમારે ઘેર પાડતાં જશો ને તમારા સંતાનો ઉપર પાડતાં જશો – હા, અને વિશેષ તો એકબીજાના હૃદય ઉપર એ પ્રેમ, સમર્પણ ને ભક્તિરૂપ કંકુની મંગળ છાપ હંમેશાં પાડતાં રહો. આ તમારા લગ્નનો મર્મ છે.

[10] આદર્શ લગ્ન : ઉચ્ચતમ સિદ્ધિનું પ્રતીક – સર્વપલ્લી રાધાકૃષ્ણન (અનુ. નગીનદાસ પારેખ)

આદર્શ લગ્નમાં તો વિષયભોગ ધાર્મિક વિધિ બની જાય છે, આંતર લાલિત્યનું બાહ્ય ચિહ્ન બની જાય છે. સાચો પ્રેમ ટકી રહે એ માટે કોઈ ઉચ્ચ આદર્શની આવશ્યકતા હોય છે. બન્નેને સામાન્ય એવું ધ્યેય હોવું જોઈએ જેની સાધનામાં બન્ને પ્રેમીઓ પોતાનું જીવન સમર્પણ કરે. પતિ અને પત્ની એકબીજાનો સ્વીકાર કરે છે અને બન્નેમાં રહેલી અસમાનતાઓમાંથી એક સુંદર સંપૂર્ણ જીવન ઊભું કરે છે. સાચી મિત્રતાનો સંબંધ ઊભો કરવા તેમણે ભેગો પ્રયત્ન કરવાનો હોય છે; અને માર્ગમાં આવતી મુશ્કેલીઓનો હસતે મોઢે સામનો કરવાનો હોય છે. આ કાર્યમાં સફળ થવા ઈચ્છતા હોય તો તેમણે ધીરજ અને સંયમ, ક્ષમા અને ઉદારતા ધારણ કરવાં જોઈએ અને સદા જાગ્રત રહેવું જોઈએ. અનેક બાધાવિઘ્નોમાં થઈને લાંબે ગાળે બે વ્યક્તિઓનો વિકાસ સાધવો એ લગ્નનો હેતુ છે, એમ આપણે સ્વીકારીએ તો આપણા માર્ગમાં આવતી દરેક મુશ્કેલીને આપણે વધુ પુરુષાર્થ કરવાની હાકલ તરીકે લેખીશું. આદર્શ લગ્ન આપણા ધ્યેયની ઉચ્ચતમ સિદ્ધિનું પ્રતીક છે.
http://www.readgujarati.com/sahitya/?p=3621

Advertisements
This entry was posted in Uncategorized and tagged . Bookmark the permalink.

One Response to લગ્નમાંગલ્ય [સંકલિત]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s