જાણ્યું છતાં અજાણ્યું [મુનીન્દ્ર]

જિંદગી એ શોધેલાં સ્વપ્નો સાકાર કરવાની સફર છે !

આંખો બંધ કરીને તમે એક દ્રશ્ય જુઓ ! અને પછી કહો કે એ દ્રશ્ય કયું છે ? આંખો બંધ થાય છે, ત્યારે તમને શું દેખાય છે ? કોઈ હત્યાનું દ્રશ્ય દેખાય છે કે પછી માનવજીવનનું કોઈ પ્રેમાળ કે પ્રકૃતિનું મનોહર દ્રશ્ય દેખાય છે ? ભયાનક વિનાશ દેખાય છે કે પછી ધીરે ધીરે વિકસતું પુષ્પ દેખાય છે ? આંખો બંધ કરતાં જે તમને દેખાય છે, તે તમારા ચિત્તનો અરીસો છે.

જો તમારા મનમાં પવિત્ર ભાવનાઓ હશે, તો તમને સુંદર, રમણીય અને મંગલમય દ્રશ્યો દેખાશે અને જો ચિત્તમાં મલિન અને અપવિત્ર ભાવનાઓ વસતી હશે, તો તમને હત્યા કે વિનાશનું ચિત્ર દેખાશે. તમારી બંધ આંખો જે દ્રશ્ય જુએ છે, એનો મહિમા એ માટે છે કે આપણા જીવનનો શુભ અંશ સતત પ્રયત્ન કરતો હોય છે કે આપણે સુંદર અને આઘ્યાત્મિક ઉચ્ચતાવાળાં દ્રશ્યો જોતાં રહીએ. આપણા ચિત્તમાં રહેલો અશુભ અંશ એ પ્રયત્ન કરતો હોય છે કે નિષ્ફળતા, તિરસ્કાર, બીમારી, વિનાશ જેવી નકારાત્મક બાબતો જોતા રહીએ.

આંખો મીચી દેતાં ક્યારેક તમને શાંતિનો અનુભવ થાય છે, તો કોઈને ભયનો અનુભવ પણ થતો હોય છે. એક અર્થમાં કહીએ તો તમારામાં રહેલાં ઇષ્ટ કે અનિષ્ટ તત્ત્વનું જ આમાં પ્રતિબિંબ થાય છે. આંખ મીચી દેતાં જેમ તમને દ્રશ્ય દેખાય છે, એ જ રીતે પોતાના ચિત્ત વિશે વિચારતા જીવનનું સ્વપ્ન દેખાય છે. આ દ્રશ્ય અને સ્વપ્ન બન્ને એકબીજા સાથે જોડાયેલાં છે. જો જીવનમાં તમને આંખ મીચી દેતાં ઉત્તમ દ્રશ્ય દેખાતું હોય તો તમારું સ્વપ્ન પણ પ્રગતિશીલ હશે. જો ખરાબ દ્રશ્ય દેખાતું હશે, તો તમારા જીવનનું સ્વપ્ન પણ કોઈનું અહિત અથવા અનર્થ કરવાનું હશે.

સવાલ એ છે કે તમારી પાસે જીવનનું કોઈ સ્વપ્ન છે ખરું ? જીવન જીવવાનો કોઈ સ્પષ્ટ હેતુ છે ખરો ? માણસ એ માત્ર શ્વાસ લેતું પ્રાણી નથી; પરંતુ એનામાં સ્વપ્નો, કલ્પનાઓ અને સત્કાર્યો પડેલાં છે. એની પાસે જીવનમાં અમુક ઘ્યેય મેળવવાનો આશય હોય છે અને એ પણ સાચું છે કે દરેક વ્યક્તિને પોતાનાં સ્વપ્નાં હોય છે. પણ ઘણીવાર એવું બને છે કે જીવનમાં એવી વ્યર્થ અને નકામી બાબતો આવી જાય, કે જેને કારણે એ એના જીવનના સ્વપ્નનો અર્થાત્ એના જીવનનો હેતુ ગુમાવી બેસે છે.

ક્યારેક જીવનમાં બનતા બનાવો પણ એના સ્વપ્નને ભસ્મીભૂત કરી દેતા હોય છે. પણ એટલું તો સ્વીકારવું જ રહ્યું કે દરેક માણસને પોતાનું સ્વપ્ન હોય છે. કેટલીક વ્યક્તિઓ એમ કહે કે મારા જીવનમાં આવાં કોઈ સ્વપ્નો કે ઘ્યેયો નથી, તો તે અસત્ય બોલે છે. જો એમના હૃદયની ભીતરમાં ઉતરીને જોવામાં આવે, તો એમના હૃદયમાં પણ આવાં સ્વપ્નો હોય છે, જે પ્રગટવાં માટે થનગની રહ્યાં હોય છે.

તમારા જીવનનું એ સ્વપ્ન જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં ઓતપ્રોત બની જશે. તમે તમારા જીવનમાં જે કંઇ જોશો, જે કંઇ વાંચશો, જે કંઇ વિચારશો, એ બધાની સાથે તમારું એ સ્વપ્ન જોડાયેલું રહેશે. જો તમે તમારા એ ઘ્યેયને ભૂલી ગયા હશો તો તમારા ચિત્તમાં એ વારંવાર ઝબકી જઇને તમને તમારા ઘ્યેયનું સ્મરણ કરાવશે. ક્યારેક તમને વિષાદ પણ જાગશે કે જીવનમાં આવું સ્વપ્ન સેવ્યું હતું; પરંતુ એની પાછળ જરૂરી ફનાગીરી દાખવી નહીં. ક્યારેક એમ પણ લાગશે કે જીવનમાં એ સ્વપ્ન સેવ્યું હતું, પરંતુ કશુંક બીજું મહત્ત્વનું બનતાં એ સ્વપ્નની ઉપેક્ષા થઇ ગઈ.

ક્યારેક તમારા ભીતરમાંથી એ સવાલ પણ ઊઠશે કે તમે તમારા સ્વપ્ન પ્રમાણે તમારા જીવનને સર્જતા નથી, તો તમે જીવો છો શા માટે ? માત્ર ખાવા-પીવા માટે, માત્ર શ્વાસ લેવા માટે કે પછી તમારું જીવન એક અર્થહીન રગશિયાં ગાડાં જેવું છે. શું માત્ર ધનપ્રાપ્તિથી જ કે ઇન્દ્રિય આનંદનાં સુખો માટે જ તમે જીવો છો ?

ક્યારેક એવું પણ બને છે કે વ્યક્તિ પોતાના વિશે બીજાના ખ્યાલો મુજબ પોતાના જીવનને ઘાટ આપવાનો પ્રયત્ન કરે છે; પરંતુ તમારી પાસે જો ઘ્યેય હશે, તો એ તમને સવાલ કરશે કે શું તમે તમારા એ સ્વપ્નને વિસરી ગયા? આમ જિંદગી એ શોધાયેલાં સ્વપ્નને સાકાર કરવાની સફર છે. જ્યાં સુધી જીવનમાં સ્વપ્ન મળતું નથી, ત્યાં સુધી જીવનનો અર્થ જડતો નથી. જીવનના મર્મ સુધી પહોંચી શકાતું નથી અને લાંબું આયુષ્ય ભોગવ્યા છતાં જીવન વ્યર્થપણે ગાળ્યું હોય એવો અનુભવ થતો હોય છે.

જીવનમાં સ્વપ્ન જરૂરી છે અને સ્વપ્ન સાકાર માટે વ્યક્તિએ જીવનશિલ્પી બનવું જરૂરી છે. જે જીવનમાં આગળ વધવા માગે છે, એ હંમેશાં વિધાયક કે રચનાત્મક દ્રષ્ટિથી આગળ જોતો હોય છે. જો એ નકારાત્મક દ્રષ્ટિ રાખતો હશે તો એ કપરું કાર્ય કરતાં પૂર્વે જ ભયભીત બની જશે. કાં તો એ કાર્યનો પ્રારંભ જ નહીં કરે અથવા તો આ કાર્ય કરવા માટે પોતે સર્વથા અશક્ત છે એમ માનશે.

જીવનમાં જેમ સફળતા ચડવાનાં પગથિયાં હોય છે, એ જ રીતે નિષ્ફળતાનાં નીચે ઉતરવાનાં પગથિયાં હોય છે. સાપ સીડીમાં જેમ ઉપર જવાય છે, એ જ રીતે એમાં નીચે પણ પડાય છે. નેગેટીવ વિચારો અત્યંત વેગીલા હોય છે અને એક વાર ચિત્તમાં એનો પ્રારંભ થયા પછી એને રોકવા મુશ્કેલ બને છે,કારણ કે ધીરે ધીરે સમગ્ર ચિત્ત પર આ નકારાત્મક (નેગેટીવ) વિચારો પોતાનું રાજ જમાવી દે છે. આમાંથી બહાર નીકળવા માટે તમારે પ્રયત્નપૂર્વક પોઝીટીવ વિચારો કરવા પડશે.

વળી માત્ર વિચારો કરવાથી જ વાત પૂરી નહીં થાય; પરંતુ તમારે એ નેગેટીવ વિચારોમાંથી બહાર નીકળવા પ્રયત્ન અને પુરૂષાર્થ કરવાનો રહેશે. આવો પુરૂષાર્થ કરતી વખતે કદાચ મનમાં નિષ્ફળતાનો ભય પણ જાગે; પરંતુ એ નિષ્ફળતાની પરવા કર્યા વિના સફળતા માટે પ્રયત્ન કરવાનો રહેશે. દુનિયાના સર્વ શાસ્ત્રો અને વિચારકો એક બાબતમાં તો સર્વસંમત છે કે તમે જે રીતે વિચારો છો, એ રીતે તમારા વ્યક્તિત્વનું ઘડતર થાય છે. આથી વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કહ્યું છે, ‘શું ઉચિત છે અને શું અનુચિત – એનો નિરંતર વિચાર કરો.’ ઋગ્વેદના આ નાનકડા મંત્રમાં કેવી મહત્ત્વની વાત કરવામાં આવી છે. વ્યક્તિએ સતત એ વિચાર કરવો જોઇએ કે કઈ વસ્તુ એને માટે ઉચિત છે અને કઇ અનુચિત ? જે ઉચિત હોય એને અપનાવવી જોઇએ અને જે અનુચિત હોય એને ત્યજવી જોઇએ. સારા વિચારો, ઉચ્ચ આદર્શો અને ઉમદા ભાવનાઓ અપનાવવા યોગ્ય છે, જ્યારે કુવિચારો, નિમ્ન લાલસાઓ અને હીન ભાવનાઓ ત્યજવા યોગ્ય છે. જો વ્યક્તિના ચિત્તમાં હીન વિચારો કબજો લઇ લે, તો એનું આચરણ પણ હીન થતું હોય છે.

આથી પહેલી વાત એ છે કે તમે કઇ રીતે વિચારો છો ? એ વિચાર વ્યક્તિના વ્યક્તિત્વનું અને એના ભવિષ્યનું નિર્માણ કરે છે. ઉમદા વિચાર એના જીવનને પ્રગતિગામી બનાવે છે, તો અધમ વિચાર એને દુરાચાર કે વિનાશ તરફ ધકેલે છે.વ્યક્તિ જો પોઝીટીવ વિચાર રાખે, તો એ પોઝીટીવ કામ કરી શકે છે અને વ્યક્તિ જો નેગેટીવ વિચાર રાખે તો એ ખોટા અને નિષ્ફળતા ધરાવતાં કાર્યો કરે છે.

રોમન સમ્રાટ માર્કસ ઓરેલિયસ કહે છે કે માણસ જેવા વિચાર સેવે છે, એવું એનું જીવન બનાવે છે અને ‘બાઈબલ’માં ઇસુ ખ્રિસ્તે કહ્યું છે તેમ માણસ એના મનમાં જે વિચારો કરે છે, એવો એ બને છે. આ બધાનો અર્થ જ એ કે માણસે પોતે જ પોતાનું ઘડતર કરવાનું છે. એ પોતે માત્ર પોતાની સફળતાનો જ સર્જક નથી, પણ નિષ્ફળતાનો પણ સર્જક બની શકે છે.

એ સજ્જન પણ થઇ શકે છે અને દુર્જન પણ બની શકે છે. એના વિચારો, વલણો, અભિગમો અને કાર્યો એને સજ્જન અથવા દુર્જન બનાવવામાં કારણભૂત બનતા હોય છે. જો આપણે પોઝીટીવ રીતે વિચારતા હોઈશું તો ચિત્તમાં સારા, રચનાત્મક અને પ્રગતિશીલ વિચારો આવશે અને આપણું જીવન બદલાતું રહેશે. આપણી શારીરિક શક્તિમાં વધારો થશે તેમજ આપણો સમગ્ર જીવન પ્રત્યેનો અભિગમ પણ પોઝીટીવ બનશે.

[ગુજરાત સમાચાર]

Advertisements
This entry was posted in મુનીન્દ્ર and tagged , , , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s